શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ-- ૨૩.ગૌતમનું શારદાપૂજન
વગડાંનાં પંખી પિંજરમાં પુરાઈને ઊડવાની ટેવ જ ભૂલી જાય એમ પાંજરાપોળની ખોલીમાં પુરાયેલી આશા જાણે બહાર જવાની ટેવ જ ભૂલી ગઈ હતી. એમનું બજારકામ અભણ અબુધ પણ
કહ્યાગરો નરસી કરતો હતો. ને ગૌતમ હવે નિત્યદર્દી હતો. કોઈ ભાંગેલા ખંડેરમાં જેમ ચામાચીડિયાં ઊંધે માથે લટકીને દુનિયાને અવળી જ જુએ એમ એના મનની હતાશા દુનિયાને અવળી
જ રીતે જોતી હતી. ખંડિયેર જેવા બનેલા હૈયામાં ઘુવડના એકધારા અવાજશો માત્ર એક જ પુકાર ઊઠતો હતો કે ઃ તું બેવકૂફ છો. તેં તારું તારે હાથે ગુમાવ્યું છે. કાન તોડે એવું સોનું પહેરવા
જતાં તેં તારું જીવન તોડી નાંખ્યું છે - કેવળ તારું નહિ - આશાનું પણ. તું આ દુનિયામાં મોટામાં મોટો બેવકૂફ છો. ઘરની બહાર પગ મૂકીશ તો માણસ માત્ર તારી બેવકૂફી સામે આંગળી ચીંધી
હસવાનું છે. તેં આશાને દગો દીધો છે. તારા બાપને દગો દીધો છે - તારી જાતને દગો દીધો છે.
આશા પણ બહાર નીકળતી જ નહિ. સ્વેચ્છાથી એ પોતાના નિત્યદર્દી પતિની સેવા કરતી હતી. વાતો કરવા જેવું હવે બે વચ્ચે થોડું રહ્યું હતું ? - દરદ સિવાયની. ફરિયાદ સિવાયની, કવિતાની
વાત આશા કાઢતી તો ગૌતમ મૂંગો થઈ જતો ને પાળેલાં ઢોરને એનો માલિક મારે ત્યારે એની આંખમાં જે અનાથતા છાય છે એવી અનાથતા એની આંખમાં છાઈ હતી. કવિતાની વાત કરવી
એ પણ આશાને ક્રૂરતા સમું લાગતું .
એનો ધર્મ સ્પષ્ટ હતો. સાથે જોડેલા જીવનને સાથે પાર ઉતારવું. કદી એ પાંજરાપોળમનાં ખોંડાં ઢોરની દેખભાળ કરતી, કદી એ પોતાનાં લૂગડાં સીવતી. કદી એ સૂઈ રહેતી. એ કંગાળ ને
સ્વચ્છ કેદખાનાની કોટડીમાં એક પુસ્તક પણ લાવી શકાતું નહિ - લાવવાનો અર્થ ન હતો. જીવનમાં રસ માત્ર લુપ્ત થયો હતો. ગરીબીનો નિજાનંદ ઊડી ગયો હતો. એની પામરતા ધીમે
ધીમે એમના દેહ ઉપર પોતાના પીળા પાલવ વિસ્તારતી હતી. બહાર શું થાય છે એની એમાંથી કોઇને ખેવના ન હતી, ખેવના રાખવાનો અર્થ પણ ન હતો. જીવ વગરનાં ખોળિયાં જાણે સાથરા
ઉપર સૂતાં હોય એમ ઉર્મિવહોણાં બનેલાં. આ બે માનવી- ઉર્મિલ માનવી જીવનની ઓટના ઓવાળ જેમ જીવતાં હતાં - કેમ કે એમને મૄત્યુ આવતું ન હતું.
પાંજરાપોળની વચમાં એક મોટો ચોક હતો. એ ચોકમાં એક મોટો મંડપ બંધાતો હતો. કેટલાંય માણસો આવીને ક્યારનાં કામે લાગી ગયાં હતાં ને ક્યાંય સુધી કામ કરવાનાં હતાં. બેલગાડીઓએ બેલ ગાડીઓ ભરીને ખુરશીઓ ઠલવાયે જતી હતી. જાતભાતના દીવાઓ આવવા માંડ્યા હતા ઃ મંડપને એક છેડે ઊંચા મેજો ગોઠવીને મોટો મંચ ખડો કરવામાં આવ્યો હતો.
પાંજરાપોળના નોકરવર્ગમાં આ મંડપનું કુતૂહલ હતું. પહેલો એવો મત હતો કે અહીં કોઈના લગન થવાનાં છે. પછી એવો મત થયો કે અહીં રામલીલા ભજવવાની છે. બહુ મોડે ખબર પડી કે
રામલીલા તો ખરી પણ આજના અંગ્રેજી જમાનાને યોગ્ય રાણી સરકારના રાજની હવાની તાસીરને અનૂરૂપ એવી રામલીલા ભજવાશે ઃ તરગાળાં કરે છે એવું નાટક, પણ આ નાટકમાઅં
તરગાળા નહિ હોય. નાટકનો ધંધો કરનારા નાટકિયા નહિ હોય. એમાં તો સારા ઘરના છોકરાઓ ભાઈડા બાઈડીના વેશ લઈને તાયફો કરશે. ... ને શહેરના સારા સારા માણસો આવશે. મોટા
ઘરના છોકરા બાઈડીઓનો વેશ પહેરીને નાચશે ને એમનાં માબાપ જોશે. શું કાળ આવ્યો છે ? રાણી સરકારના રાજમાં ન થાય એ બધું ઓછું.
તહેવારનો દિવસ હતો, સમો સાંજનો હતો. નાટકના શોખીન કરવૈયાઓએ ગોળી ગોખીને બધું પાકે પાકું કર્યું હતું. પાંજરાપોળના ચોકમાં મંડપ બાંધ્યો હતો ને એમના માણસોએ કેટલીય
ટાંટિયાતોડ કરી હતી. પરંતુ બરાબર સમે તમામને આઘાપાછા કરી દેવામાં આવ્યા હતા. માણસો આવવા માંડ્યા હતા. પડદા પડી ગયા હતા. તબલાવાળાં તબલાં મેળવતા બેસી ગયા હતા.
અને તબલાની આડીઓને હથોડાઓથી ઠોકાઠોક કરતા હતા. અંગ્રેજી વાજું હતું ને એ વાજાંનો વગાડનાર પગથી વગાડતો હતો ને હાથથી સૂર નીકળતા. જો કે અંગ્રેજી ભાષાનું ગ્નાન ન હોય
તો એવા ગમાર માણસો એને ' હડમાનિયું, કહેતા. પણ ખરું નામ હારમોનિયું હારમોનિયું નહિ ભાઈ, હા -ર - મો- નિ- ય- મ . હા. હા. એ હરમોનિયામ કહો કે હારમોનિયું કહો. બધુમ એકનું
એક જ , મુદ્દે હડમાનિયું તો નહિને ? '
ચતુરદાસ શેઠ આમથી તેમ હરફર કરતા હતા. ઘડીકમાં નાટકિયા પાસે જતા, ઘડીકમાં બહાર ઊભા રહેતા. ઘડીકમાં મંડપમાં ઊભતા. ક્યાંય ખસી ગયેલી ખુરશી સરખી કરતા- ક્યાંક કોઈક
ની સાથે વાત કરવા ઊભા રહેતા. ક્યાંય અચાનક કોઈ યાદ આવ્યું હોય એમ દોડાદોડ કરતા. સૌથી આગળ બૈરા માટે અલાહેદી જગા હતી ને ત્યાં ્ચંચળ શેઠાણી હરતાં ફરતાં હતાં.
ટ્ન...ન..ન..ટ્ન...ન પહેલી ટોકરી વાગી.
બીજી વાગી. તબલાંવાળાં સજ્જ થઈ બેઠા. વાજાંવાળો સૂર પૂરવા માંડ્યો. પ્રેક્ષકો ટટ્ટાર થવા માંડ્યા. અત્યાર સુધી હરતા ફરતા તે છેક છેલ્લી ઘડીએ બેસવામાં પોતાની ટોપી, પાઘડી, લાકડી,
જે જે જગ્યા ઉપર મૂકીને પોતાની ખુરશી ' રીઝ્વીટ' રાખી હતી તે તરફ આગળ ધપવા માંડ્યા.
ત્રીજી ટોકરી વાગી - ને એક મોટો ધડાકો થયો.
મંચ ઉપરનો પડદો ઊંચે ચડ્યો. ફૂલની માળા પહેરીને તંબૂરો લઈને સૂત્રધાર મંચ ઉપર ઊભા હતા. ને ઊંચામાં ઊંચા અવાજે ને મોટામાં મોટા આલાપે બીજાઓને કેવળ તબલાં વાજાં ને
માણસના અવાજનો મોટો ઘોંઘાટ માત્ર સંભળાય એમ સરસ્વતીની સ્તુતિ ગાવા માંડ્યા. સૂત્રધારે સ્તુતિ પૂરી કરી. શેળો ઉઘાડ બીડ થતો હતો એમ એનું મોઢું સ્થિર થયું. ગાવાના અથાગ
પરિશ્રમમાં એમની નાકમાં ચીપિયાથી પકડી રાખેલી મૂળ વાંકી થઈ ગઈ ને એને સરખી કરવા એમણે આખી મૂંછ એક હાથે કાઢીને બીજે હાથે ગોઠવવા માંડી. ત્યાં એમની પાઘડી જરાક
ખસી ગઈ ને એને ઉતાવળે ટેકો આપવા જતાં પાઘડી નીચે પડી. પાઘડી ઉપાડતાં મૂંછ નીચે પડી. ને મૂંછ ને પાઘડી વગરનો એમનો ચહેરો પ્રેક્ષકોને ક્ષણભર જોવા મળ્યો. થયું હતું હસવા
જોગ. ને હસવું યે જોઈતું હતું, પણ એક તો મફતિયું જોવા આવ્યા હતા ઃ ચતુરદાસ શેઠનો સમારંભ હતો ને સૂત્રધાર તરીકે ચતુરદાસ શેઠનો જુવાન પુત્ર રતનદાસ જ હતો. એટલે હસાય
નહિ. થઈ જાય. ઓછો એમનો નાટકનો ધંધો છે ?
સભાક્ષોભ સૂત્રધારને જાણે સતાવી રહ્યો. આખરે સૂત્રધારને એક પરમ સત્ય સમજાયું. સભાક્ષોભમાંથી નીકળી જવાનો માર્ગ એક જ ઃ પોતાને બોલવું હોય એ બધું કડકડાટ બોલીને ' વીન્ગ'
માં પાછા બેસી જવું ઃ બોડમાં કેમ પેસવું એક વિષે સસલુંય બે નવી વાત શીખે એમ.
' સભાજનો ! ' સૂત્રધારે ચીસ જેવા અવાજે બોલવા માંડ્યું ઃ ' સભાજનો ! ગોરાઓ દેશીઓ ઉપર પોતાના વેપાર માટે કેવા જુલમ ગુજારે છે એનું આ નાટક તમારી સામે ભજવવાનું છે.
નાટકનું નામ ' નીલદર્પણ.' આપણા મહાન કવિરાજ ગૌતમ બી.એ. '
ગૌતમ બી.એ છે, કે સૂત્રધાર બીએ છે એ વાતનો, પ્રેક્ષકો નાટકનું નાટક જોવા મળશે એની પ્રસન્નતા અનુભવતા, પૂરો તાગ મેળવી શકે ત્યાં તો પ્રેક્ષકોને પોતાને જ બીવાનો પ્રસંગ ઊભો થયો.
સાઉટર સાહેબની પીળી પાઘડીઓનું ધાડું હાથમાં ડંડુકાઓ ઘુમાવતું દાખલ થયું ને પ્રેક્ષકોની વચમાંથી ધક્કામુક્કી કરતું નાટકના મંચ ઉપર ચડી ગયું. એમાં એક ટોપાવાળો અમલદાર હતો.
પારસી જેવો લાગતો હતો. ધોળા પોષાકમાં સજ્જ હતો. એના હાથમાં પાતળી નેતરની સોટી હતી. એની કમરમાં બંદૂકડી હતી.
' ચતુરદાસ શેઠ કોણ ? ' તીખું મરચું ખવાઈ ગયું હોય એવી તચ્છથી એણે બૂમ પાડી.
આભા બનેલા ચતુરદાસ શેઠે જવાબ આપ્યો.
' કેમ ? જી. હું.... '
' તમે ? તમને હું ગિરફતાર કરું છું. સરકારનો કાયદો તોડવા માટે. કોઈ પણ નાટક કે તમાસો જાહેરમાં ભજવવો હોય તો એ પહેલાં સાઉટરની પરવાનગી મેળવવી પડે. તમે એવી પરવાનગી મેળવી નથી. '
' પણ મેં સાઉટર સાહેબને વાત કરી હતી, ને એમને પોતાને આમંત્રણ પણ આપ્યું હતું. '
' ત્યારે સાહેબ બહાદુરે તમારું નાટક જોયું ન હતું. હવે એમણે વંચાવી જોયું છે. એઓ સાહેબ તમારા આમંત્રણનો ચોખ્ખો ઇન્કાર કરે છે ને એમની પરવાનગી મેળવ્યા વગર નાટક ભજવવાનો ગુનો કરવા બદલ તમને ગિરફ્તાર કરવામાં આવે છે.'
બે પીળી પાઘડીવાળા ચતુરદાસ શેઠનાં બે કાંડાં પકડીને ખડા થઈ ગયા. પ્રેક્ષકોને લાગ્યું કે વગર પરવાનગીએ નાટક ભજવવાનો સાઉટર સાહેબના ને રાણી સરકારના કાયદામાં ગુનો
ગણ્યો છે તો વગર પરવાનગીએ નાટક જોવા આવવામાંયે ગુનો થતો હશે કે કેમ ? સવાલ સાચો હતો, ભવિષ્યમાં નાટકો જોવાં કે ન જોવાં એનું સ્પષ્ટ દિશાસૂચન આપનારો હતો. પરંતુ
કોઈનેય આ સવાલની અત્યારે ચોખવટ કરવાની જરૂરત ન દેખાઈ. પીળી પાઘડીવાળો એમનાં કાંડાં પકડી લે તો ? એમનેય ચાવડીએ લઈ જાય તો ? દિલ્હીની કત્લેઆમ વખતે પણ આ મંડપ આટલી ઝડપથી ખાલી થઈ શક્યો ન હોત.
ભૂલેશ્વર જેવા લત્તામાંથી પીળી પાઘડીવાળા ચતુરદાસ શેઠને પગે ચલાવીને ત્રાંબાકાંટા ને ચોકસી બજાર વચ્ચોવચ્ચ થઈને ચકલામાં આવેલી સાઉટર સાહેબની કચેરી તરફ લઈ ચાલ્યા.
આ તરફ શહેરફોજ્દાર લડાઈના મેદાનમાં હારેલા દુશ્મનદળની વચમાં વિજેતાના તોરથી ગાજવા લાગ્યા.
' અરે ક્યાં છે આ પાંજરાપોળ વાળા ? ચલાવો છોડી નાંખો મંડપ. ખસેડી નાંખો ખુરશીઓ સાફ કરી નાંખો. ક્યાં છે પાંજરાપોળનો મહેતો ? ક્યાં મૂઓ છે ? '
પગ નીચે ધરતીકંપ ફાટયો હોત કે પાંજરાપોળની આખી ઇમારત એક ઢગલે જમીનદોસ્ત થઈ હોત તોય પાંજરાપોળના રબારીને નોકરો આટલા હેબતાઈ ગયા ન હોત ! એમના જીવના
તાંતણાં મંડપનો સંકેલો કરવા ઉપર લટકતા હોય એમ એની દોડધામ થઈ રહી ! કંઈક દીવા ફૂટ્યા, કંઈક ઝુમ્મરનો કડૂસલો થયો. ખુરશીઓની ફેંકાફેંકમાં કંઈકના પાયા તૂટ્યા, કંઈકની
પીઠ તૂટી.
' ક્યાં મૂઓ છે મહેતો ? ' અમલદારની વાઘગર્જના થઈ. નરસી દોડતો ગૌતમની ઓરડીમાં ગયો. આજાર ગૌતમને એ બહાર ખેંચી લાગ્યો.
' આ રહ્યા...આ રહ્યા સાહેબ સાહેબ.... ' નરસી ધ્રૂજતા અવાજે બોલ્યો.
' આમ આવ !' સાહેબે ગૌતમને હુક્મ કર્યો.
' જી. મને કહો છો ?'
' તને નહિ તો તારા બાપને પૂછું છું ? આમ મર.'
ગૌતમ જરા નજીક આવ્યો ને સાહેબ બે ડાંફ ભરીને વધારે નજીક આવ્યા. હવે સાહેબના બીજા હાથમાં એક કાગળનું ગોળ આંકણી જેવું બંડલ હતું, એ એમણે ઉગામ્યું.
' આ તમારી પાંજરાપોળ તમે આવો સરકારવિરોધી નાટક ભજવવા આપો છો ? પાંજરાપોળ બંધ થઈ જશે, ખબર છે. ને તમને બધાને જેલમાં જવું પડશે, સમજ્યો ? કેમ જવાબ નથી દેતો ? બબૂચક જેવો છે ઃ'
' જી......નાટક.... મારું કામ નથી.... કેવું નાટક ? '
અમલદારી મિજાજ બરખેલાફ થયો. કાગળનું બંડલ એણે ગૌતમના લમણામાં માર્યું ઃ ઓ હો ! આ તો જાણે મોટો સતાનો દીકરો. પાંજરાપોળનો મહેતો મૂઓ છે ને એને ખબર નથી. જો આ
નાટક ! ' ને ગૌતમની બહાવરી બનેલી આંખો સામે શહેર ફોજદારે બંડલ ખોલીને એનું પહેલું પાનું ગૌતમને બતાવ્યું. ' ફાડ આંખો. વાંચતા શીખવ્યું છે ને બાપગોતરે ? '
ગૌતમે પહેલાં પાના સામે જોયું. નાટકનું નામ વાંચ્યું ઃ ' નીલદર્પણ.' કવિનું નામ વાંચ્યું ઃ ' કવિરાજ ગૌતમ ! '
કોઈ પરલૌકિક પરચો જોતો હોય એમ ગૌતમ અનિમેષ આંખે એ પાના સામે તાકી જ રહ્યો. ફોજદાર સાહેબનો મિજાજ વધારે ગરમ બન્યો.
' એમ બાધા જેવો ઊભો છે શું ? '
એમણે ગૌતમને તમાચો માર્યો. આજાર ગૌતમ આઘાતથી નીચે પડ્યો. ઉતાવળી દોડતી આશા આવી. વકરેલી વાધણ જેવી આવી. એની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. એની આંખમાં
જ્વાલામુખી જાણે પ્રગટ્યો. ઉગતા સૂર્ય જેવો એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. ફોજદાર સાહેબ પડેલા માણસ ઉપર લાત ઉગામવા જતા હતા, ત્યાં આશાએ આવીને એમને જોરથી ધક્કો
માર્યો ને એની સામે ઉભી રહી.
' you Bruti. you shall pay for this, even if I have to go to the Governor ! ' ( હેવાન ! તારે આને માટે પસ્તાવું પડશે. જરૂર પડશે તો હું ગવર્નર પાસે જઈશ ')
આશાના દિદાર જોઈને ફોજદાર સ્તબ્ધ બન્યો. પરંતુ એની જબાનમાંથી નીકળતી અંગ્રેજી વાણીથી તો એ શેહ જ ખાઈ ગયો ! આવું કરવાની એને સત્તા ન હતી. ને જો ગવર્નર પાસે પોતાના
કરતાં વધારે સ્વચ્છ અંગ્રેજી બોલતી છોકરી જઈને બધી વાત કરશે તો ? ફોજદાર સાહેબના ચહેરા ઉપર જલી ગયેલા દીવાના મોગરા જેવું ગુમાન બુઝાતાં પહેલાં ઝબકયું.
આશા ગૌતમને ઊભી કરતી હતી. એ ગૌતમની સામે આંગળી ચીંધી ફોજદારે ચિડાયેલા ને તિરસ્કારભર્યા અવાજે કહ્યું ; ' કેટલાક છે આવા બેવકૂફો ! '
અને પીઠ ફેરવીને પોતાની પીળી પાઘડીવાળાને લઈને એ ચાલ્યો ગયો. આ છોકરી માથા ફરેલી લાગતી હતી. વળી અંગ્રેજી જાણતી હતી. એ કદાચ ગવર્નર પાસે પણ જાય. એના પહેલાં પોતે પોતાનો અહેવાલ મોકલી આપવો જોઇએ.
પીળી પાઘડીઓ દેખાતી બંધ થઈને આસપાસ સંતાઈ લપાઈ ઊભેલો નારીસમાજ બહાર નીકળ્યો. ગૌતમને આશાએ ઊભો કર્યો ઃ ' તમને વાગ્યું ? ક્યાં વાગ્યું ? તમને કાંઇ થશે તો હું
એમનો જીવ લઈશ. બોલોને.... '
આશાનો ચિત્કાર સાંભળીને ગૌતમે અર્ધભાનમાં એની સામે જોયું. ફિક્કું હાસ્ય કરીને એણે આશાને કહ્યું ઃ ' જોયું ને આશા ! હું બેવકૂફ....બે....વ...કૂફ....' ને એના મોંમાંથી લોહીનાં ટીપાં
નીતરવા લાગ્યાં. ' હાય મા !' ચીસ પાડીને આશાએ ગૌતમનું મોં લૂછ્યું. નારી સમાજમાંથી ત્રણચાર નારીઓ પાસે આવી. એમાં ચંચળ શેઠાણી પણ હતા. શેઠાણીએ માયાથી ગૌતમના વાંસા
ઉપર હાથ ફેરવ્યો. 'સરકાર સામે શું ઇલાજ ? બેન, તું લઈ જ એમને. '
શેઠાણીની નજરમાં દંપતિના ગરીબ દિદાર આવ્યા. એમણે ખિસ્સામાંથી બટવો કાઢીને ગૌતમના હાથમાં મૂક્યો. અને પછી પોતાના ઘર ઉપર પડેલી આપત્તિના ખ્યાલથી મૂંઝાયેલાં એ ત્યાંથી
ચાલી નીકળ્યાં. એ ભંગારના મેદાનમાંથી, ત્રાસથી હેબતાઈ ગયેલાં માણસોની વચ્ચેથી વાધણ પોતાના ઘવાયેલા બચ્ચાને ઉપાડી જાય એમ ગૌતમને લઈ ગઈ. ગૌતમના મોઢામાંથી
લોહી નીકળતું હતું. એના માથામાંથી લોહી નીકળતું હતું. એની આંખો ચોપાસ ચક્કર ચક્કર જોતી છતાં જાણે કાંઇ જ જોતી ન હતી. એનું અંગ લથડતું હતું. ને એના પગ બરફનાહોય એમ
ગળી ગયા હતા. એ ઊભો રહી શકતો ન હતો. પોતાની આસપાસ ભય, ઉપહાસ, તિરસ્કારનાં પ્રેતોને નાચતાં જોતો હોય એમ એનો લોહિયાળ ચહેરો શિકારી કૂતરાઓની વચમાં સપડાયેલા
હરણ જેવો થઈ ગયો હતો.
હોઠ પીસીને આશાએ એને ઉપાડ્યો. આસપાસનો થર અભણ, અબૂધ અને પોલીસનાં દર્શન માત્રથી ત્રાસેલા નોકર સમાજમાંથી કોઈનેય આશાને હાથ સરખો આપવાનુમ સૂઝ્યું જ નહિ.
પોતાના વરસોથી ભાંગેલા હૈયાં અને બરબાદ થયેલા સંસારનો સ્થૂલ ભાર ખભે ચડાવીને આશા ચાલી -- ધીમે, ધીમે, ભારે બોજા નીચે પિડાતી ઃ કદમ, ક્દમ, ટેકો મેળવતી, એક હાથે
ગૌતમના અર્ધ બેભાન દેહને પોતાનાં અંગ સાથે દબાવી રાખતી, કવિતા જાણે કાવ્યના આત્માનું શબ વહી જતી હોય, એમ આશા ધીમે ધીમે ચાલી, ધીમે ધીમે એ સીડીનો ટેકો મેળવતી ચાલી. પગલે પગલે ગૌતમના અંગમાંથી લોહીનાં ટીપાં પડતાં હતાં, આશાનાં વસ્ત્રોને લાલ રંગે રંગતાં હતાં. સીડીની કિનારનો ટેકો મેળવીને એ ધીમે ધીએ ઉપર ચડી. પોતાની ઓરડીમાં જઈને એણે ગૌતમને સુવાર્યો.
ત્યાં ઓરડીમાં દરવાજામાં તુફાનનો વાવંટોળ આવતો હોય એમ પાંજરાપોળના શેઠ આવ્યા. કાંઈ જોયા વગર, સમજ્યા વગર એ બરાડવા લાગ્યા.
' તમેય શુ મહેરબાન ! નોકરી કરો છો કે હજામત ? તમે નાટક વાંચ્યું કેમ નહિ ! ભજવવા જેવું નહોતું તો અમને કહ્યું કેમ નહિ ? તમે આવા બબૂચક કેમ છો ? ' આશા વિફરીને શેઠ સામે
ફરી. ' બબૂચક ' જોતા નથી એની તબિયાત ? તમે કોણ માણસ છો કે હેવાન ? ' મુંબઈનો માલુતુજાર શેઠિયો. સદાય માખણના પિંડામાં માખણના જીવડા તરીકે જીવનારો આ વિફરેલી
વનિતાના જોગમાયા જેવા ચહેરા ને સાપના સૂસવાટા જેવા અવાજથી છળી જ ગયો. ગૌતમ પાસેથી ખસીને પોતાના તરફ ધસી આવેલી પોતાના પતિના લોહીથી રંગાયેલી આશાએ શેઠને
એક પછી એક તમાચા મારતી હોય એમ તડતડી ઊઠતા અવાજે કહ્યું ઃ ' તમે....તમે શેઠ ! શું જોઈને આંહી આવ્યાં છો ? નાટક ભજવવાની રજા અમે આપી હતી ? શું પાંજરાપોળમાં એક
સળી પણ તમારી રજા વગર સંચરી શકે છે ? નાટક તો તમે જોયું હતું, ને તમને વાંચવાને ભગવાએન આંખો આપી ન હતી ? ને તમને વાંચવાને આંખો નહોતી કે વાંચ્યું હોય તે સમજવાને
અક્કલ નહોતી, તો તમારા પહેલા મુનીમો શું મરી ગયા હતા ? તમારી લાપરવાઈનો દોષ તમે અમારા ઉપર નાંખવા માગો છો ? જાઓ, તમારામાં માણસાઈ હોય તો ચાલ્યા જાઓ
અહીંથી. તમારામાં સજ્જનતા શેષ રહી હોય તો તમારી ગફલતના ભોગ બનેલા મારા ધણી માટે એક દાક્તર બોલાવી લાવો ! '
શેઠ બે કદમ પાછા હઠી ગયા. પરદારાના એ એટલા જ શોખીન હતા - જેટલા આત્મપ્રશંસા ને આત્મપ્રશસ્તિના. આ સ્ત્રી પાંજરાપોળમાં વરસોથી રહેવા છતાં એનાથી કેમ ઓઝલ રહી ?
એમણે પોતાની આસપાસ નજર કરી એણે પોતાના તાબેદાર નોકરોને જરા દૂર ઉભેલા જોયા ને પોતાનું માનભંગ જાતે સાંભળવા ઉપરાંત બીજાઓએ પણ સાંભળ્યું છે ને એ ત્રીજાઓને
સંભળાવશે એ ખ્યાલે એમની પાંજરાપોળની સરનશીની ભભૂકી ઊઠી ઃ ' હું બાઈમાણસ સાથે જીભાજોડ કરવા નથી માગતો. તમે આટલાં બેશરમ છો એની મને ખબર પણ નહોતી. આવી
બેશરમ બૈરી ધરાવનાર ને નોકરી કરવાની રીત સરખી પણ ન સમજનાર બેવકૂફ મહેતાનું મારે કામ નથી. તમને નોકરીમાંથી રજા છે.' એટલું બોલીને આંખમાં રુઆબ ને મોઢા ઉપર
કડકાઈ પૂરવાનો પ્રયાસ કરતા પોતાનો રેશમી પાલવનો ખેસ આમતેમ ચલાવતા શેઠ ત્યાંથી ચાલ્યા. પોતાને કશી જ નિસ્બત ન હોય એમ ફાટી આંખે ગૌતમ આ જોઈ રહ્યો હતો. એના અંગેઅંગમાં કળતર થતાં હતાં.
' આશા ! મારા જેવા ગમારને માટે આવા શેઠિયા સામે ઝઘડો શું કામ કરે છે ? ' બોલવાનો પ્રયાસ ગજા ઉપરનો થયો હોય એમ ગૌતમ એકદમ નંખાઈ ગયો. એને મૂર્છા આવી ગઈ. છળી
ગયેલી આશા ગૌતમ તરફ દોડી ગૌતમને મૂર્છા વળી ગઈ હતી. આશાએ એના હાથની વળેલી મૂઠીઓ ઉઘાડવાનું જોર કર્યું. જમણા હાથની મૂઠીનાં અચેતન થઈ ગયેલાં આંગળાં આખરે
ઊઘડ્યાં, ને એમાંથી એક કાગળનો દડો નીકળીને બહાર રડ્યો. આશાએ કાગળનો દડો ઉપાડ્યો, અને ઉઘાડ્યો. એના ઉપર દિવાળીના ચોપડાના પહેલા પાના ઉપર શારદા પૂજનના કંકુના છાંટાઓ પડ્યા હોય એમ લોહીના છાંટાઓ પડ્યા હતા. ફોજદારે ગૌતમને બતાવેલુમ નાટકનું એ પહેલું પાનું હતું. કોઈ પરલૌકિક પરચો જોતી હોય, ભૂતકાળના કો ભૂતને સ્મશાનમાં
પ્રગટતું જોતી હોય એમ આશાએ તૂટક અવાજે અક્ષરો વાંચ્યા.
' નીલ દર્પણ'
લે. કવિ ગૌતમ ....' ને માથે હાથ દઈને ગૌતમના બેભાન દેહ ઉપર ઢળી પડી. ને એના હૈયાંના છેલ્લાં તંતુઓ પણ તૂટતા હોય એમ એના કંઠમાંથી ધ્રુસકાંઓ નીકળી રહ્યાં. (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો